Home » મુખપૃષ્ઠ ગેલેરી » હું ખાતરી આપું છું કે, કોંગ્રેસ પક્ષનો એક યોદ્ધો છું, વફાદાર સૈનિક છું અને કોંગ્રેસ પક્ષનો સદાનો સાથી છું.

?????? 10, 2015 હું ખાતરી આપું છું કે, કોંગ્રેસ પક્ષનો એક યોદ્ધો છું, વફાદાર સૈનિક છું અને કોંગ્રેસ પક્ષનો સદાનો સાથી છું.

પ્રિય મિત્રો,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી 1 લી માર્ચ, 2011 ના રોજ મેં સંભાળી હતી. 2012 ની વિધાનસભાની ચૂંટણીઓ પછી હારની જવાબદારી સ્વીકારીને મેં રાજીનામું આપ્યું હતું. પરંતુ મને કામગીરી ચાલુ રાખવા જણાવાયું હતું. તા. 2જી માર્ચ, 2015 ના રોજ ચાર વર્ષ જવાબદારી નિભાવ્યા પછી પ્રમુખ તરીકેનું મારું રાજીનામું સ્વીકારાયું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે માન. શ્રી ભરતસિંહ સોલંકીની નિમણૂંક થઈ છે. શ્રી ભરતસિંહ સોલંકીને મેં અભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવી છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની મારી વિદાયના સમાચાર મીડીયામાં આવ્યા પછી મારા જાહેર જીવનના નાના-મોટા અનેક સાથીઓ, શુભેચ્છકો અને ચાહકોએ ટેલીફોન દ્વારા કે સોશીયલ મીડીયામાં અનેક સંદેશાઓ મોકલ્યા હતા. હજારો મિત્રોએ મારી સાથે કામ કરવાનો આનંદ વ્યક્ત કરવાની સાથે મને પ્રદેશ સમિતિમાં અને ગુજરાતની રાજનીતિમાં મારી ગેરહાજરી સાલસે તેવી લાગણી વ્યક્ત કરી છે.

મારા પદ પરથી મુક્ત થતાં પહેલાંના, મને આપણી વચ્ચેના પર્યાય પ્રેમાળ સંબંધોને યાદ કરવા ગમશે, હું માનું છું કે આપ સૌના પ્રેમ અને સહકારથી જ હું મારું કાર્ય કરી શક્યો છું અને હું અનુભવું છું કે તેનાથી આપણે ગુજરાત કોંગ્રેસના વિશાળ પરિવારને સંગીન બનાવ્યો છે. અત્યાર સુધીની કામગીરીમાં હું અત્યંત વ્યસ્ત હોવાને લીધે અને મહિનામાં 20 દિવસમાં પ્રવાસ હોવાથી સહકાર્યકરોને મળવાનો સમય ફાળવી શક્યો નહીં હોઉં. હવે મારી પાસે આપ સૌને મળવાનો પર્યાય સમય રહેશે.

મારી સાથે જોડાયેલા માર ઘણાં મિત્રોના સંદેશાઓ વાંચ્યા પછી તેમની લાગણી હું સમજી શક્યો છું. મને મળી રહેલા અસંખ્ય સંદેશાઓ, મને મારા મિત્રો કેટલો યાદ કરતા હતા તે અંગેના હતા. પરંતુ પૂરેપૂરી નમ્રતા સહ સૌ મિત્રોને જણાવવાનું કે ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખપદની મારી જવાબદારીથી હું મુક્ત થયો છું. આપણા પક્ષના સૌથી નીચેના દરજ્જોથી હું અહીં સુધી પહોંચ્યો છું.

હું ખાતરી આપું છું કે, કોંગ્રેસ પક્ષનો એક યોદ્ધો છું, વફાદાર સૈનિક છું અને કોંગ્રેસ પક્ષનો સદાનો સાથી છું.

ખૂબજ વિપરીત સમયમાં પોરબંદર વિધાનસભાના મતદારોએ મને 2002 માં વિધાનસભામાં મોકલ્યો તેને કેવી રીતે ભુલી શકાય. 2003માં કોંગ્રેસ વિધાનસભા પક્ષના દંડક તથા 2004માં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) ની જવાબદારી સોંપાઈ. વિધાનસભામાં પહેલી વખત જ ચૂંટાયો હોવા છતાં મને આ મહત્વની જવાબદારી સોંપી. મુરબ્બીશ્રી બી. કે. ગઢવીનું અવસાન થતાં લગભગ પાંચ મહિના પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચલાવવાની પણ જવાબદારી અપાઈ. વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી 2007 સુધી નિભાવી. 2008માં કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સંભાળીને લોકસભાની 2009 ચૂંટણી સુધા આ કામગીરી બજાવી. ત્યારબાદ તુર્ત જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી છેલ્લાં બે દાયકાથી પડકારરૂપ રહી છે. મારા નિષ્ઠાપૂર્વકના કામમાં કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, જે તે સમયના પ્રભારી મહામંત્રીશ્રીઓ, કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવ માન. શ્રી અહેમદભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના માન. નેતાશ્રીઓ, મારા સાથી વરિષ્ઠ આગેવાનો, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, પ્રદેશ સમિતિના પદાધિકારીશ્રીઓ, જિલ્લા/તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ/ધારાસભ્યશ્રીઓ, અગ્રિમ સંગઠન તથા સેલ/ડિપાર્ટમેન્ટના વડાઓએ અથાગ હુંફ અને પ્રેમ આપ્યાં છે.

મારા કાર્યકાળ દરમ્યાન અનેક સફળ કાર્યક્રમો અપાયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલય રાજીવ ગાંધી ભવનને નમુનેદાર બનાવાયું, સોશીયલ મીડીયા દ્વારા લોકોને જોડવાનું આગવીઢબે કામ થયું. જિલ્લા કક્ષાના કાર્યાલયો કાર્યાન્વીત કરાયાં, કેટલાક જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ પોતાની માલિકીનાં કાર્યાલયો બનાવાયા. માન. ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીના માર્ગદર્શન મુજબ તાલુકા/જિલ્લા અને પ્રદેશ કક્ષાએ કારોબારીની મીટીંગ દર માસે બોલાવવાની પ્રથા શરૂ કરાઈ. લગભગ તમામ તાલુકાઓની એક કરતાં વધારે વખત મુલાકાતો લીધી.

2012ની ચૂંટણીઓ પહેલાં ખેડૂત હક્ક આંદોલન, યુવાનો માટે રોજગાર હક્ક આંદોલન, વિદ્યાર્થીઓ માટે શિક્ષા હક્ક આંદોલન, મજૂરો માટે મજૂર હક્ક આંદોલન, આદિવાસીઓના પ્રશ્ન માટે આદિવાસી હક્ક આંદોલન, માચ્છીમાર ભાઈઓના પ્રશ્ન માટે માચ્છીમાર હક્ક આંદોલન, ભ્રષ્ટાચાર સામેની લડાઈ માટે હિસાબ, જવાબ દો ના સૂત્ર સાથેનું આંદોલન, કાયદો અને વ્યવસ્થા સામે સુરક્ષા હક્ક આંદોલન, મહિલાઓના પ્રશ્નો માટે મહિલા હક્ક આંદોલન રહેઠાણ માટે “ઘરનું ઘર” ના હક્ક માટે આવાસ હક્ક આંદોલન સહિતના અક આંદોલનના કાર્યક્રમો અપાયા.

એ જ રીતે જનસંપર્ક યાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર રાજ્યને આવરી લેતા જનસંપર્ક યાત્રા, દરિયા કિનારાના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા કિનારા બચાવ યાત્રા, શહેરી જનતાની સમસ્યાઓ-પ્રશ્નોને વાચા આપવા જનસંપર્ક પરિવર્તન યાત્રા, આદિવાસી વિસ્તારોના પ્રશ્નોને વાચા આપવા આદિવાસી જન જાગરણ યાત્રાનું સફળ આયોજન કર્યું. આ યાત્રાઓમાં મારા સહિતના રાજ્યના વરિષ્ઠ આગેવાનો જોડાયા. 2012 ની ચૂંટણીઓમાં 12 મુદ્દાના આર્થિક કાર્યક્રમોનું વિઝન પેપર જાહેર કર્યું. 16 લાખ કુંટુંબો માટે ઘરનું ઘર કાર્યક્રમે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું. ખેડૂતોને કુવાઓ ખોદવા માટે મંજૂરી લેવી પડે તેવો ભાજપની રાજ્ય સરકારે લાવેલ ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા કાનૂનની સામે રાજ્ય વ્યાપી જલ અધિકાર યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરી આ કાનૂનની અમલવારી રોકાવી.

2014 પછી કાયદો અને વ્યવસ્થા પ્રશ્ને લઠ્ઠાકાંડના વિરોધમાં ગુજરાત બંધનું એલાન તથા ખેડૂતોને કપાસ સહિતના ઉત્પાદનો માટે વ્યાજબી ભાવ આપવાની માંગણી માટે ગુજરાત બંધ તથા ચક્કાજામના આંદોલનો સફળતાપૂર્વક કર્યાં.

ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવા માટે 350 આગેવાનોની બે દિવસની ચિંતન શિબીર યોજીને 21 મુદ્દાઓ ઉપર અભિપ્રાયો મેળવીને “અમદાવાદ. ઘોષણા” પત્ર તૈયાર કર્યું. એ.આઈ.સી.સી. ના આદેશ મુજબ વિચાર-વિમર્શ ચિંતન શિબીરનું આયોજન કર્યું. ગુજરાતની ચિંતન શિબીરો સમગ્ર દેશમાં નમુનેદાર રહી અને બીજા રાજ્યોએ પણ આપણી પધ્ધતિ અનુસરી.

ઓળખ કાર્ડ સાથેના દરેક બુથ ઉપર 25 સભ્યો નોંધવાની આક્રમક ઝુંબેશ ચલાવીને દાયકાઓ પછી ગુજરાતમાં વાસ્તવિક સભ્ય બનાવવાનું સફળ આયોજન પાર પડાયું. સમગ્ર દેશમાં સભ્ય નોંધણીમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ નમુનેદાર કામ કરી બતાવ્યું.

કોંગ્રેસના અધ્યક્ષશ્રી અને ઉપાધ્યક્ષશ્રી તથા વડાપ્રધાનશ્રીના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક યોજ્યા. આ ત્રણેય મહાનુભાવોએ રાજીવ ગાંધી ભવન ખાતે પધારીને આપણને સૌને માર્ગદર્શન આપ્યું.

ગુજરાતમાં આપણે સૌ છેલ્લાં બે દશકાથી સંઘર્ષ કરતા રહ્યા છીએ. મારા સમયમાં પણ આપણે સૌએ પરાકાષ્ટાનો સંઘર્ષ કર્યો છે. કાર્યકર મિત્રોએ શારિરીક, માનસિક અને આર્થિક યાતનાઓ ભોગવીને પક્ષની સાથે રહ્યા છે. આ બધા સંઘર્ષમાં ગુજરાતનાં માધ્યમો, પત્રકાર મિત્રો, સ્વૈચ્છિક સંગઠનો, કર્મશીલો અને બુદ્ધિજીવીઓએ સાથ આપ્યો છે. ગુજરાતની જનતાએ પણ આપણું મનોબળ ટકાવ્યું છે.

હવે સુર્યોદય નજીક દેખાય છે છતાં હજી પણ આપણે સંઘર્ષ જારી રાખવાનો છે. સૌ સાથે મળીને ગુજરાતની જનતાને તેમના હક્કો અપાવવા આપણે સંઘર્ષ જારી રાખીશું.

Comments are closed.